રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા લક્ષ્મણ રબારીએ વિદેશી દારૂ ભરી આપ્યો હતો
મગુનામાં રહેતા સોલંકી કલ્પેશસિંહ કીર્તિસિંહને આપવાનો હતો
સમગ્ર કેસમાં પોલીસે કુલ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨૪ કલાક અંદર વધુ એક વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી છે. પોલીસ કર્મીઓ મોઢેરા તાલુકા પોલીસ હદમાં આવતા મોટપ ગામ પાસે પેટ્રોલીગ પર હતા, એ દરમિયાન નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડી આવતા તેની તપાસ દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહેસાણા એલસીબીને ખાનગી રાહે વિદેશી દારૂ ભરેલ ગાડી મામલે બાતમી મળી હતી. જેથી મોટપ ગામથી ધીણોજ જતા રોડ પર વોચ પર રહેલ પોલીસ કર્મીઓએ નમ્બર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડી આવતા જ પકડી પાડી હતી. ગાડીમાં તપાસ કરતા રાઠોડ સુમિત સિંહ અને ઝાલા યુવરાજ સિંહ ઝડપાઇ ગયા હતા. ગાડીમાંથી પોલીસે કુલ ૧૧૨૮ વિદેશી દારૂ અને બિયર બોટલ કબ્જે કરી હતી. તેમજ સ્વીફ્ટ ગાડી મળી કુલ ૫,૬૯,૮૪૦ કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહેસાણા એલસીબી ટીમે ઝડપાયેલા ઈસમો પાસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા રબારી લક્ષમણ ભાઈ વિરમજી એ દારૂ મોકલ્યો હતો અને દારૂ મગુનાના ત્રણ ભાગમાં રહેતા સોલંકી કલ્પેશસિંહ કીર્તિસિંહને આપવાનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે કુલ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.