એબીવીપીના કાર્યકરોનું ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને મફત ચોપડા વિતરણનું લક્ષ્ય છે
વર્ષ ૨૦૨૩માં ૩૦૦ થી વધુ વૃક્ષો કપાતાં બચાવવાનો નિર્ધાર કર્યો છે
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
શાળા-કોલેજમાં શિક્ષણની સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના વિદ્યાર્થીઓ સંવેદના પ્રકલ્પ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહ્યા છે. મહેસાણા શહેરમાં વેકેશનમાં હરવા ફરવા જવાના બદલે આ વિદ્યાર્થીઓએ સોસાયટીઓમાં ઘરે ઘરે ફરીને વિદ્યાર્થીઓના નોટ અને ચોપડામાં કોરા છુટેલા પાના એકઠા કર્યા બાદ તેનું રિ-બાઇન્ડિંગ કરી તૈયાર થયેલા ૫૦૦૦ ચોપડાનું ૩૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
શહેરમાં એબીવીપીના ૩૫ વિદ્યાર્થી કાર્યકરો વેકેશનના ૨૦ દિવસમાં ૨૦૦ સોસાયટીઓમાં ૧૧,૫૦૦ ઘર ફર્યા હતા અને ચોપડાની પાછળના કોરા પેજ કાઢી એકત્ર કરી રિ-બાઇન્ડિગ કરી નવા ચોપડા બનાવ્યા છે. વર્ષ ૨૦૧૫માં મોટીવેશન વક્તા હર્ષદભાઇ પુરોહિતે કહેલું કે ઇટાલી દેશ જેટલા જંગલ ભારતમાં માત્ર કાગળ બનાવવા માટે કાપવા પડી રહ્યાં છે. ત્યારથી શરૂ કરાયેલા કોરા કાગળના ચોપડા બનાવવાના સંવેદના સેવા પ્રકલ્પમાં વિદ્યાર્થીઓ વેકેશનમાં આ કાર્ય કરી રહ્યા છે.
મહેસાણા શહેરના અમરપરામાં નાગલપુર કોલેજના પ્રાધ્યાપક ગીતેશભાઇ ગાંધીના સાનિધ્યમાં, દેલા વસાહતમાં ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ર્ડા.ક્રાંતિબેન ત્રિવેદી, ઇન્દિરાનગરમાં મહેસાણા વિભાગના પ્રમુખ નિકુલ પટેલની ઉપસ્થિતિમાં જરૂરમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરાયું હતું. તો કુકસ ગામની પી.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલય અને કસ્તુરબા કન્યા છાત્રાલયમાં પણ ચોપડા વિતરણ કર્યું હતું. પરિષદના કાર્યકરોએ કહ્યું કે, ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણનું લક્ષ્ય છે અને વર્ષ ૨૦૨૩માં ૩૦૦થી વધુ વૃક્ષોને કપાતાં બચાવવાનો નિર્ધાર કર્યો છે.