રિવોલ્વર કાઢતાં જ કર્મીઓએ દબોચ્યા, લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યા
(પ્ર.ન્યુ.સ) મહેસાણા ઊંઝા માર્કેટયાર્ડની સામે બાળોજ કોમ્પલેક્ષમાં આવેલી અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં બુધવારે સાંજે લૂંટના ઈરાદે રિવોલ્વર લઈને આવેલા બે શખ્સોને લોકોએ પકડી લીધા હતા અને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસેને હવાલે કર્યા હતા. ધોળેદહાડે આંગડિયા લૂંટના પ્રયાસની આ ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.
ઊંઝા શહેરમાં બાળોજ કૉમ્પ્લેક્સમાં આવેલી અંબાલાલ હરગોવનદાસ નામની આંગડિયા પેઢીમાં બુધવારે સાંજે બે લબરમુછિયા યુવાનો હાથમાં રિવોલ્વર જેવું હથિયાર લઈને આવ્યા હતા અને હથિયાર કાઢતાં જ આંગડિયા કર્મીઓએ સમય સૂચકતા વાપરી બંને શખ્સોને ઝડપી બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો તથા વેપારીઓ ભેગા થઇ ગયા હતા અને લૂંટ કરવા આવેલા બંને શખ્સોને મેથીપાક ચખાડી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેને પગલે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે બંને શખ્સોને પકડી પોલીસ સ્ટેશન લઈ જઇ ગયા બાદ સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.