- દિવસે ભૂંડ પકડતા અને રાત્રે કરતા ચોરી
- મહેસાણા એલ.સી.બી.એ ટોળકીના ૪ પૈકી ૨ ને પકડ્યા
- સદુથલા ગામની દૂધ મંડળીમાં આ ટોળકીએ કરી હતી ચોરી
- રૂપિયા ૨.૯૦ લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લાના વિવિધ ગામડાઓની દૂધ મંડળીઓના તાળા તોડી દૂધ મંડળીમાં પડેલ રોકડ રકમ તથા મોટર સાયકલ તથા રીક્ષાની ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડવાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં એલસીબી ટીમના પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ આશાબેન, કેશરસીંહ, દિલિપસિંહ, ડાહ્યાભાઇ, દિનેશભાઇ, રાજેન્દ્રસિંહ નિલેશકુમાર, શૈલેષકુમાર, પિયુષકુમાર, સાબીરખાન, રમેશભાઇ, સંજયભાઇ, મહેશકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર, રોહિતકુમાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી અલગ અલગ વાહનોમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન સંજયભાઇ વેલજીભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, મહેસાણા જિલ્લામાં આતંક મચાવતી ચીખલીગર ગેંગના બે સાગરીતો રીક્ષા નંબર જીજે૦૨-વાયવાય-૯૮૭૧માં રામપુરા ચોકડીથી મહેસાણા તરફ આવી રહ્યા છે અને હાલ રીક્ષા રામપુરા સર્કલ તરફથી મહેસાણા તરફ નીકળી છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી રીક્ષાને કોર્ડન કરી લીધી હતી. જેમાં બેઠેલા બે સાગરીતોના નામ ઠામ પુછતાં સનીસીંગ તુફાનસીંગ સરદાર (ચીખલીગર) રહે. વૃદાવન ચોકડી, ઇન્દીરાનગર ખેરાલુ તથા પપ્પુભાઇ ચેલાભાઇ દેવીપૂજક રહે. ડેલીમવાસની પાછળ વાઘરીવાસ, ખેરાલુ વાળા પાસે રીક્ષાના કાગળ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા જેમની વધુ પુછપરછ કરતાં બંન્ને ઇસમોએ મગરોડા ગામ તથા સદુથલા ગામે દૂધ મંડળીના તાળા તોડી ચોરી કરેલ તથા મેઘલીયાસણ ગામેથી રીક્ષા ચોરી કરેલ તથા કંસારાકુઇ ગામેથી મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરતાં એલસીબીએ બંન્ને ઇસમો પાસેથી ૧૦ હજાર રોકડ, રીક્ષા સહિત કુલ રૂા. ૨.૯૦ લાખના મુદ્દામાલ સાથે છેલ્લા એક માસથી આતંક મચાવતી ગેંગના સાગરીતોને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા જ્યારે વધુ પુછપરછમાં સાત ઘટનાઓને અંજામ આપ્યાની કબુલાત કરી હતી તેમજ વોન્ટેડ આરોપી બોબીસીંગ તુફાનસીંગ રહે. ઇન્દીરાનગર, વૃદાવન ચોકડી ખેરાલુ તથા પ્રેમસીંગ તુફાનસીંગ સરદાર રહે. ઇન્દીરાનગર, વૃદાવન ચોકડી ખેરાલુવાળા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.