- દોઢ મહિનામાં શહેરીજનોને વધુ એક બગીચાની ભેટ મળશે
- નગરપાલિકા દ્વારા શહેરમાં ૯ માં બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે
- બગીચામાં સીસીટીવી કેમેરા, બાળકો માટે રમતગમતના સાધનો, વોકિંગ માટે વોકવે, યોગા સેન્ટરની સુવિધા ઉભી કરાઈ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા શહેરના ટીબી રોડ વિસ્તારમાં સિવિક સેન્ટર નજીક વિશાળ જગ્યામાં રૂ.૫૧ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે તૈયાર થઇ રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા ગાર્ડન પૂર્ણતાના આરે છે. આગામી દોઢ-બે મહિનામાં શહેરીજનો આ બગીચાનો ઉપયોગ કરી શકશે. નગરપાલિકા દ્વારા આ ૯મા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહેસાણા શહેરના વોર્ડ નં. ૯માં નગરપાલિકાના સરદાર પટેલ સિવિક સેન્ટર પાછળ રાજમાતા વિજયારાજે સિંધિયાના નામે તૈયાર કરાયેલા બગીચામાં સીસીટીવી કેમેરા, બાળકો માટે રમતગમતનાં સાધનો, વોકિંગ માટે વોકવે, યોગા સેન્ટર, ઔષધિય વન, મ્યુઝિક સિસ્ટમ, પીવાના પાણીનો આરઓ પ્લાન્ટ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધા ઊભી કરાઇ છે. હાલમાં લોન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. એકાદ મહિનામાં તમામ કામ પૂરું થયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાશે.
ઉલ્લેખનિય છે કે, સિટી-૧માં અરવિંદ બાગ અને બિલાડી બાગ એમ બે બગીચા છે. જ્યારે સિટી-૨ વિસ્તારમાં રાધનપુર રોડ સરદાર પટેલ બાગ, આંબાવાડી પાસે, સહકારનગર પાસે, ટીબી રોડ પરશુરામ ગાર્ડન, નાગલપુર બાગ અને જીઆઇડીસી નિરમા ફેક્ટરી પાસે બગીચો છે. રાજમાતા વિજયારાજે સિંધિયા બાગ ૭મો બગીચો છે.