- જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીની બુટલેગરો સામે લાલ આંખ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદરડા પાટીયા પાસે ઉભી રહેલી એક સ્કોર્પિયો કારમાંથી વિદેશી શરાબનો કિંમત રૂા. ૧.૧૬ લાખ તથા સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂા. ૬.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ વિદેશી શરાબની હેરાફેરી કરતાં શખ્સોને ઝડપી પાડવા આપેલા આદેશ અનુસંધાને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં એસએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશકુમાર, નિલેષકુમાર, શૈલેષકુમાર, ઇજાજઅહેમદ, આકાશકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન એએસઆઇ ડાહ્યાભાઇ તથા દિનેશકુમારને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, ચાંદરડા પાટીયા સીએનજી પેટ્રોલપંપ પાછળ આર્શિવાદ આરોહ પ્લોટની પાસે ડાભી અનિલ દિલિપસિંહ રહે. ધુમાસણ તા. કડીવાળો સફેદ કલરની સ્કોર્પીઓ જીપમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો પડેલ છે.
જે બાતમીના આધારે ચાંદરડા પાટીયા પાસે એલસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી ઉભેલી સ્કોર્પિયો જીપમાં તલાશી લેતા વિદેશી શરાબનો બિયર મળી રૂા. ૧,૧૬,૩૦૯ કિંમતનો જથ્થો મળી કુલ રૂા. ૬,૧૬,૩૦૯નો મુદ્દામાલ ઝડપી ડાભી અનિલ દિલિપસિંહ ડાભી તથા શરાબનો જથ્થો ભરેલ સ્કોર્પિયો ગાડીના માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.