(પ્ર.ન્યુ.સ) મહેસાણા
વિસનગર એ.પી.એમ.સી.નાં હોલ ખાતે ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરીનાં ત્રાસમાંથી મુક્તિના અભિગમ અંતર્ગત બેંકો અને નાણાંકીય સંસ્થાઓ સાથેના સંકલન દ્વારા મહેસાણા પોલીસની પ્રજાલક્ષી પહેલ ‘લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પને’ ગુજરાત સરકારના આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે,વર્ષોથી લોકો વ્યાજખોરો સામે વ્યાજખોરીનાં ત્રાસમાંથી પસાર થતા હતા પરંતુ આજે ગુજરાત સરકારના ગૃહ વિભાગે વ્યાજખોરો સામે જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય કાર્ય છે.
આરોગ્ય મંત્રીશ્રીએ પણ ઉમેર્યું કે,આજે આ વ્યાજખોરોએ અનેક પરિવારોને આપઘાતની કગાર પર લાવી દીધા છે તેમજ અનેક લોકોએ તેમના ત્રાસથી કંટાડીને આપઘાત પણ કર્યાં છે.આવામાં ગૃહ વિભાગ દ્વારા જે સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે તે સાચા અર્થમાં સમાજ પરિવર્તનનું કાર્ય છે,માનવતાનું કાર્ય છે.
આરોગ્ય મંત્રીએ પણ કહ્યું કે, ‘લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ’ થકી નાણાંકીય બોજા હેઠળ સતત ટેન્શનમાં રહીને જીવન વ્યતિતકરતા નાગરિકોને આ લોન સહાય માનસિક રીતે તનાવ મુક્ત કરવામાં અને પગભર બનવામાં વરદાનરૂપ બની રહેશે.
આ અવસરે મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ જણાવ્યું કે,ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરીની જે કુપ્રથા ચાલે છે એને નાથવા અભિયાન ચલાવવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાજખોરીને દુર કરવાનો છે. ઊંચા દળની વ્યાજખોરીના કારણે અનેક લોકો આપઘાત કરતા હોય છે,આથી આ પ્રકારની કુપ્રથાથી જનતાને મુક્ત કરવા આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે
આ પ્રસંગે ઊંઝાનાં ધારાસભ્ય કે.કે,પટેલ,વિસનગર નગરપાલિકાનાં પ્રમુખ વર્ષાબેન પટેલ, વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ, વિસનગર એ.પી.એમ.સી પ્રમુખ પ્રિતેશભાઈ પટેલ, લીડ બેન્કના ચેરમેનશ્રી,પદાધિકારીગણ, અધિકારીગણ, પોલીસ સ્ટાફના મિત્રો, લાભાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.