પાટણએક કલાક પહેલા
કૉપી લિંક
ઐતિહાસિક પાટણના પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરમાં આજથી સદીઓ પૂર્વે જનહિતાર્થે પીવાના પાણી માટે પોતાના દેહનું બલિદાન આપનાર વણકર વીર મેઘમાયાની બલિદાન તિથિની સ્મૃતિમાં દર વર્ષેની પરંપરા મુજબ મહા સુદ સાતમ નિમિત્તે આજે પાટણ શહેરના સરાઈ ચોક ખાતેથી વાજતે ગાજતે વીરમાયાની પાલખીયાત્રા નીકળી હતી.
ઐતિહાસિક સહસ્ત્રલિંગ સરોવરના નિર્માણ બાદ સતીના શ્રાપના કારણે તેમાં પાણી નહીં આવતા પંડિતોના કહેવા મુજબ કોઈ 32 લક્ષણો વ્યક્તિ આ સરોવરમાં હોમાય તો જ તેમાં પાણી આવી શકશે, ત્યારબાદ રાજવીના એલાન બાદ વીર મેઘમાયા નામના વણકર યુવાને પશુ પક્ષી અને સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે સહસ્રલિંગ સરોવર ખાતે પોતાના દેહનું બલિદાન આપતા સરોવરમાં પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. વીર મેઘમાયાના બલિદાનની આ તિથિની સ્મૃતિમાં દર વર્ષે ની જેમ ચાલુ વષે પણ પાટણ શહેરમાં મહા સુદ સાતમ ને માયાસાતમ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભવ્ય પાલખીયાત્રા નિકળી હતી જે યાત્રા પ્રાચીન કાલિકા માતા મંદિર અને રાણકી વાવ થઈને સહસ્ત્રલિંગ સરોવર સમીપે ઉંચી ટેકરી પર આવેલ માયા ટેકરી ખાતે મેઘમાયાના મંદિર સંકુલ ખાતે સંપન્ન બની હતી. ત્યારબાદ વીર મેઘમાયાને પરંપરાગત રીતે મલીદાનો પ્રસાદ ચડાવી ફુલહાર તેમજ ધૂપ દીવા દ્વારા તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વીર માયા મંદિર ખાતે પાટણ શહેરના ઓટલા પરિષદના ઉપક્રમે શુદ્ધ ઘીના શીરાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંચોલી પરિવાર દ્વારા પણ પ્રસાદનું આયોજન કરાયું હતું. પાટણમાં વષો ની પરંપરા મુજબ નિકળતી વીર મેધમાયા ની પારખી યાત્રા મા મોટી સંખ્યામાં વણકર સમાજના ભકતો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે…